Thursday, 2 January 2014

દેવી-દેવતાઓનાં વાહનો શું શીખ આપે છે?

હિન્દુ ધર્મમાં વિવિધ દેવી-દેવતાઓનું સ્વરૂપ અલગ-અલગ જણાવાયું છે. દરેક દેવતાનું સ્વરૂપ તેમના આચરણ તથા વ્યવહાર અનુસાર જ આપણા ધર્મગ્રંથોમાં ર્વિણત છે. સ્વરૂપની સાથે તે દેવતાઓનાં વાહનોમાં પણ વિવિધતા જોવા મળે છે. ધર્મગ્રંથો અનુસાર મોટાભાગના દેવતાઓનાં વાહન પશુ-પક્ષી જ હોય છે. દેવતાઓનાં વાહન તરીકે આ પશુ-પક્ષી કોઈ ને કોઈ રીતે આપણને જીવન જીવવાનો પાઠ પણ ભણાવે છે. જાણીએ કેટલાંક મુખ્ય દેવી-દેવતાઓનાં વાહન વિશે... ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે. તેને પક્ષીઓનો રાજા પણ કહે છે. ગરુડની વિશેષતા એ છે કે આકાશમાં ખૂબ ઊંચાઈએ ઊડવા છતાં પણ તે પૃથ્વી પર વિચરતા નાનામાં નાના જીવો પર નજર રાખી શકે છે. તેનામાં અસીમ શક્તિ રહેલી છે. તે જ રીતે ભગવાન વિષ્ણુ સૌનું પાલન કરનારા તથા પ્રત્યેક જીવનું ધ્યાન રાખનારા છે. તેમની નજર હંમેશાં દરેક જીવ પર હોય છે. તેમના પર સૌની રક્ષાનો ભાર છે, તેથી તેઓ પરમ શક્તિશાળી પણ છે. ભગવાન શંકરનું વાહન બળદ ધર્મગ્રંથોમાં ભગવાન શંકરનું વાહન બળદ જણાવાયું છે. તેનું નામ નંદી છે. બળદ ખૂબ જ મહેનતુ જીવ હોય છે. તેને ખેડૂતોનો મિત્ર પણ કહે છે. તે શક્તિશાળી હોવા છતાં પણ શાંત અને ભોળો છે. તે જ રીતે ભગવાન શિવ પણ પરમયોગી તથા તપના બળે શક્તિશાળી હોવા છતાં પણ ખૂબ જ શાંત અને ભોળા છે, તેથી જ તેઓ જગતમાં ભોળાનાથ તરીકે પ્રસિદ્ધ છે. ભગવાન શંકરે જે રીતે કામને ભસ્મ કરીને તેના પર વિજય મેળવ્યો હતો તે જ રીતે તેમનું વાહન બળદ પણ કામી નથી. તેનો કામ પર સંપૂર્ણ અંકુશ છે. નંદી કર્મઠતા અને શક્તિનો પણ પ્રતીક છે. તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક કથા પ્રમાણે નંદી એક વાર પહેરો ભરવાનું કામ કરી રહ્યો હતો. જ્યારે શિવ પાર્વતીજી સાથે વિહાર કરી રહ્યા હતા. ભૃગુ ઋષિ શિવજીનાં દર્શન માટે આવ્યા, પરંતુ નંદીએ તેમને ગુફાની અંદર ન પ્રવેશવા દીધા. તેથી ભૃગુ ઋષિએ નંદીને શાપ આપ્યો, પરંતુ નંદીએ નિર્વિકાર રૂપે માર્ગ રોકી જ રાખ્યો, કારણ કે તે શિવ-પાર્વતીની આજ્ઞા હતી કે કોઈ અંદર ન આવે. બીજી એક કથા પ્રમાણે એક વાર રાવણે પોતાના હાથ પર કૈલાસ પર્વત ઉઠાવી લીધો હતો. તેથી નંદીએ ક્રોધમાં આવીને રાવણના હાથને પોતાના પગથી દબાવી દીધો અને ત્યાં સુધી તેના પરથી પગ ન લીધો જ્યાં સુધી તેણે શિવજીની આરાધના અને પોતાની ક્ષમા ન માગી. રાવણે ક્ષમા માંગતા નંદીએ તેને મુક્ત કર્યો. શિવ કલ્યાણકારી ભાવોના પ્રતીક છે, તો નંદી કર્મઠતા અને શક્તિના પ્રતીક છે. આ બંનેના માધ્યમથી જ કલ્યાણનો ફેલાવો થવો શક્ય છે. વિઘ્નહર્તાનું વાહન મૂષક ભગવાન શ્રી ગણેશનું વાહન મૂષક અર્થાત્ ઉંદર છે. ઉંદરની વિશેષતા એ છે કે તે દરેક વસ્તુને કોતરી કાઢે છે. તે એ નથી જોતું કે વસ્તુ કામની છે કે નકામી, કીમતી છે કે સામાન્ય. તે કંઈ પણ વિચાર કર્યા વગર બધું જ કોતરી ખાય છે. એ જ રીતે ઈર્ષ્યાળુ વ્યક્તિ પણ શુભ કે અશુભ કાર્યની પરવા કર્યા વગર દરેક કાર્યમાં બાધાઓ કે વિઘ્નો ઉત્પન્ન કરે છે. વિઘ્નહર્તા શ્રી ગણેશ બુદ્ધિ અને જ્ઞાન તથા ઈર્ષ્યાળુ વ્યક્તિ મૂષક છે. જેને ગણેશજીએ પોતાના પગ નીચે દબાવીને પોતાની સવારી બનાવી દીધી છે. શ્રી ગણેશ અને તેમનું વાહન એ શીખ આપે છે કે અવગુણોનું દમન કરીને જ્ઞાનને અપનાવવું જોઈએ. દુર્ગામાનું વાહન સિંહ શાસ્ત્રોમાં દેવીનું વાહન સિંહ જણાવાયું છે. સિંહ એક સંયુક્ત પરિવારમાં રહેનારું પ્રાણી હોય છે. તે પોતાના પરિવારની રક્ષા કરવાની સાથે વનમાં રહે છે. તે વનનું સૌથી શક્તિશાળી પ્રાણી હોય છે, તેથી જ તેને જંગલનો રાજા કહેવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ તે પોતાની શક્તિનો વ્યર્થ વ્યય નથી કરતો, તે જરૂરિયાત જણાય ત્યારે જ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. તે જ રીતે દુર્ગા માતા પણ વિપત્તિના સમયે જ પોતાની શક્તિનો ઉપયોગ કરીને ભક્તોને ઉગારે છે. આપણને દેવીના વાહન સિંહ પાસેથી એવો સંદેશ મળે છે કે ઘરની મુખ્ય વ્યક્તિ અથવા સ્ત્રીએ પોતાના પરિવારને એક છત્ર નીચે જોડી રાખવો જોઈએ તથા વ્યર્થ કાર્યોમાં પોતાની બુદ્ધિ ન દોડાવતા, પોતાના ઘર-પરિવારના લોકોને સુખી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે, "હે યુવાઓ, તમે સિંહ જેવા નિર્ભય બનો અને આગળ વધતા જાઓ." લક્ષ્મીજીનાં વાહન હાથી તથા ઘુવડ માતા લક્ષ્મીનું વાહન સફેદ રંગનો હાથી હોય છે. હાથી હિંસક પ્રાણી નથી. હાથી પણ એક પરિવાર સાથે હળી-મળીને રહેનારું સામાજિક તથા બુદ્ધિમાન પ્રાણી હોય છે. તેમના પરિવારમાં માદાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. તે જ રીતે પોતાના પરિવારને એક સૂત્રે જોડી રાખનાર તથા ઘરની સ્ત્રીઓને આદર-સન્માન આપનારના ઘરે જ લક્ષ્મી નિવાસ કરે છે. પોતાના ઘરની સ્ત્રી એ સાક્ષાત્ લક્ષ્મી સ્વરૂપા જ છે. આ વાતને સમજાવવા માટે તેઓ હાથી પર સવાર રહે છે. હાથી સિવાય લક્ષ્મીજીનું બીજું એક વાહન પણ છે, તે ઘુવડ છે. ઘુવડ હંમેશાં ક્રિયાશીલ હોય છે. તે પોતાનું પેટ ભરવા માટે સતત કર્મશીલ હોય છે. તે પોતાનું કાર્ય સંપૂર્ણ તન્મયતા સાથે પૂરું કરે છે. તેનો અર્થ એ છે કે જે વ્યક્તિ રાત-દિવસ મહેનત કરે છે, લક્ષ્મીજી તેના પર હંમેશાં પ્રસન્ન રહે છે તથા તેના ઘરમાં સ્થિર વાસ કરે છે. સરસ્વતીમાનું વાહન હંસ માતા સરસ્વતીનું વાહન સુંદર અને શ્વેતવર્ણી હંસ છે. હંસમાં એક અનોખો ગુણ હોય છે. જો તેની સામે દૂધ તથા પાણી મેળવીને રાખવામાં આવે તો પણ તે પાત્રમાંથી દૂધ પી લે છે તથા પાણીને છોડી દે છે. એટલે કે તે માત્ર ગુણને ગ્રહણ કરે છે અને અવગુણને છોડી દે છે. દેવી સરસ્વતી વિદ્યાની દેવી છે. ગુણ તથા અવગુણને ઓળખવાનું ત્યારે જ શક્ય છે જ્યારે તમારામાં જ્ઞાન હોય. આ જ્ઞાન મનુષ્યોમાં આવે તે માટે વિદ્યાની દેવી માતા સરસ્વતી હંસ પર સવાર હોય છે. આ સિવાય હંસ બ્રહ્માજી અને ગાયત્રીનું પણ વાહન છે. સૂર્ય દેવનું વાહન રથ ભગવાન સૂર્યનારાયણનું વાહન રથ છે જેમાં સાત અશ્વો એટલે કે ઘોડા જોડેલા છે. આ ઘોડા અઠવાડિયાના સાત વારનાં પ્રતીક છે. રથનું એક પૈડું એક વર્ષનું પ્રતીક છે, જેમાં બાર આરા હોય છે. ભગવાન સૂર્યનારાયણના વાહન સાથે ઘોડા જોડેલો રથ એ વાતનું પ્રતીક છે કે આપણે વર્ષના દરેક મહિના અને અઠવાડિયાના સાતે વારમાં હંમેશાં ક્રિયાશીલ રહેવું જોઈએ, તો જ જીવનમાં પ્રકાશ ફેલાય છે. અશ્વમેધ યજ્ઞા સાથે પણ અશ્વોનો સંબંધ હોવાથી તેમને પૂજ્ય માનવામાં આવે છે

No comments:

Post a Comment